॥ શ્રી ગોવર્ધનધરણ પ્રભુ વિજયતે ॥
home chevron_right પુષ્ટિકુંજ chevron_right શ્રીનાથજી
expand_more
Shreenathji
પુષ્ટિ જ્ઞાન

શ્રીનાથજી

પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ

ઉપનિષદોએ પરબ્રહ્મ પરમાત્માને "કૃષ્ણ" શબ્દથી ઓળખાવ્યા છે. પરમાત્માનું "કૃષ્ણ" નામ તેમના ગુણ અને શક્તિને આધારે પડયું છે. "કૃષ્" શબ્દમાં "કૃષ્" નો અર્થ "સર્વસામર્થ્યવાન" થાય છે. "ણ" શબ્દનો અર્થ પૂર્ણ આનંદ થાય છે. સમગ્ર બ્રહ્માંડમાં જેઓ સૌથી વધુ શક્તિમાન અને પૂર્ણ આનંદવાળા છે, તે કૃષ્ણ. પરમાત્માથી વધુ શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવમાં પણ નથી. પરમાત્મા સ્વતંત્ર છે. પરમાત્માનો આનંદ અગણિત છે. તેમનાથી વધુ આનંદ બીજા કોઈની પાસે નથી.

આવા પરમાત્માનું સ્વરૂપ આનંદમય છે. તેમના પ્રત્યેક અંગમાં કેવળ આનંદ છે. તેઓ અજન્મા છે. આખા બ્રહ્માંડનાં નિયામક છે. સર્વ દેવો ના દેવ છે. વેદ,ઉપનિષદ,ગીતા અને ભાગવત તેમના જ ગુણ ગાય છે. આ જ પરબ્રહ્મ પરમાત્મા ભક્તોના ઉદ્ધાર માટે અને ભક્તોને આનંદનું દાન કરવા માટે સારસ્વતકલ્પમાં પૂર્ણપુરુષોત્તમ સ્વરૂપે ગોકુળમાં શ્રીનંદ—યશોદાના ત્યાં કૃષ્ણ—સ્વરૂપે પ્રગટ થયા હતા. આ ભગવાનનું શ્રીકૃષ્ણ—સ્વરૂપ અલૌકિક દિવ્ય સ્વરૂપ છે. કોઈ મનુષ્યનું રૂપ નથી. મનુષ્યરૂપમાં પણ તેમનો સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ ભગવાન છે. અન્ય અવતારો અને દેવદેવીઓ પણ તેમનાં અંશ છે. તેથી આપણા શ્રીમહાપ્રભુજીએ આપણું બ્રહ્મસંબંધ પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવ્યું છે. તેઓ જ આપણા આશ્રયદાતા છે. તેઓ જ આપણા સ્વામી છે. આપણે તેમનાજ દાસ છીએ.

ભગવાન શ્રીકૃષ્ણ વ્યાપિ વૈકુંઠ અર્થાત્ ગોલોકધામમાં હંમેશા બિરાજે છે. ત્યાં તેમના જ સ્વરૂપમાંથી તેમણે પ્રગટ કરેલ તેમના ભક્તો પણ સદા તેમની સેવા કરે છે. ગોલોકની લીલાને નિત્યલીલા કહેવામાં આવે છે.

કારણકે તે લીલા અનંત અને અનાદિ છે. તે સદા ચાલતી રહે છે. ત્યાં રહેલાં ભક્તોને ભગવાનની સેવામાં કોઈક દોષ કે અપરાધ થતાં તેમને પૃથ્વી ઉપર જન્મ લેવો પડયો હતો. પોતાના એ જીવોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે હજારો વર્ષ પહેલાં પોતાનું આખું ગોલોકધામ મથુરામંડલમાં, વ્રજભૂમિમાં પ્રગટ કર્યું અને પોતે પણ પૂર્ણાવતાર ધારણ કર્યો.